★
★
★
★
★
વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ગુરુજનો માર્ગદર્શક, પ્રેરક અને શિલ્પકારની ભૂમિકા ભજવે છે. જે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પણ નૈતિક મૂલ્યો, આત્મવિશ્વાસ અને સાચા-ખોટાની સમજ કેળવીને વિદ્યાર્થીના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરે છે. ગુરુજનો વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેમને નિઃસ્વાર્થપણે સ્વપ્નની પાંખો આપે છે અને ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવે છે. મારા જીવન ઘડતરમાં પણ ગુરુજનોનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહ્યું છે.
હું ઈ.સ. 1994માં નવસારી ખાતે એસ. બી. ગાર્ડા કોલેજ (આર્ટ્સ) એન્ડ પી. કે. પટેલ કોલેજ ઓફ કોમર્સમાં સામાન્ય પ્રવાહમાં જોડાયો. અહીંથી મેં વર્ષ 1998માં બી.એ. (મનોવિજ્ઞાન) ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રથમ વર્ગ પ્રાપ્ત કરી. તેમજ એમ. ટી. બી. આર્ટ્સ કોલેજ, સુરત ખાતેથી એમ.એ. અમારા પ્રિય ગુરુજનોના હાથે વર્ષ 2001માં ડિસ્ટિન્કશન સાથે પ્રાપ્ત કરી. એટલું જ નહીં, એપ્રિલ 2001માં લેવાયેલ એમ.એ. પાર્ટ-2 પરીક્ષામાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ પદવીદાન સમારંભમાં પારિતોષિક એનાયત કરવામાં આવ્યો. કપડવંજ ખાતે મનોવિજ્ઞાન અધિવેશનમાં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો, જે મારા ગુરુજનોના આશીર્વાદથી શક્ય બન્યું.
ત્યારબાદ વર્ષ 2003માં આર. કે. દેસાઈ બી.એડ. કોલેજ, વાપી ખાતે વ્યવસાયિક ડિગ્રી પ્રાપ્ત કરી. હાલ હું વાણિયા હાઈસ્કૂલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં માર્ગદર્શન શિક્ષક તરીકે 23 વર્ષથી કાર્યરત છું. ખરેખર મારા વિકાસમાં મારી માતૃસંસ્થા એસ. બી. ગાર્ડા કોલેજ (આર્ટ્સ) એન્ડ પી. કે. પટેલ કોલેજ ઓફ કોમર્સ, નવસારીનું અનન્ય યોગદાન રહ્યું છે. આ સંસ્થાનો તેમજ તમામ ગુરુજનોનો જીવનભર ઋણી રહીશ, એનો મને ગર્વ છે.
મારી આ સંસ્થા મારા જેવા અન્ય વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં મહત્ત્વનું યોગદાન આપતી આવી છે અને હરહંમેશ માટે આપતી રહેશે, એવી શુભકામના આપું છું. અંતે, આ સંસ્થાના તમામ મહામહિમ પ્રાધ્યાપકશ્રીઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.