એસ.બી. ગાર્ડા કોલેજના એન.એસ.એસ અને એન.સી.સી કેડેટોએ ભવ્ય તિરંગા યાત્રામાં અતિ ઉત્સાહભેર ભાગ લીધો
દેશની આઝાદીના ૮૦ માં સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે, નવસારીની સર્વશ્રેષ્ઠ અને અતિ પ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા એસ.બી. ગાર્ડા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિના અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. તારીખ ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે નવસારી શહેરમાં એક વિરાટ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં એસ.બી.ગાર્ડા કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના સક્ષમ માર્ગદર્શન અને પ્રેરણાથી કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને એન.સી.સી (NCC) ના કેડેટો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોલેજ કેમ્પસથી આ ભવ્ય યાત્રાનું પ્રસ્થાન કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ સાહેબે કરાવ્યું હતું. હાથમાં ત્રિરંગો અને હૈયામાં દેશદાઝ સાથે નીકળેલા સ્વયંસેવકો કોલેજ કેમ્પસથી નવસારી શહેરના ફુવારા સર્કલ, જૂનાથાણા અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સર્કીટ હાઉસ સર્કલ ખાતે સંપન્ન થયા હતા. આ માર્ગ દરમિયાન કોલેજના સ્વયંસેવકોએ દેશભક્તિના નારા અને દેશભક્તિના ગીતોનું ગાન કરી સમગ્ર નવસારી શહેરને તિરંગામય અને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું. યુવાનો દેશભક્તિના સૂર અને તાલથી ઝૂમીને રાષ્ટ્રધ્વજનું ભવ્ય સન્માન કર્યું હતું. આ ગૌરવશાળી તિરંગા યાત્રામાં રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી નરેશ પટેલ, મેયર અશોકભાઇ ધોરજીયા, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઇ, કલેકટરશ્રી મનીષભાઈ ગુરવાની, નવસારી મહાનગર પાલિકાના કમિશનર શ્રી જયેશભાઈ ઉપાધ્યાય, વાંસદા પ્રાયોજનના વહીવટદાર સ્વપનીલ સિસેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ભૂરાલાલ શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાને સફળ બનાવવા માટે કોલેજના NSS પ્રોગ્રામ ઓફીસર ડૉ. અશ્વીન શર્મા અને NCC ઓફિસર ડૉ. ઇશ્વરભાઇ ચૌધરીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર ગાર્ડા કોલેજની આ તિરંગા યાત્રાનું સફળ અને શિસ્તબદ્ધ નેતૃત્વ કોલેજના પ્રોગ્રામ ઓફિસર શ્રી કિશોરભાઇ પટેલે પૂરું પાડ્યું હતું. સંસ્થાના આ ભવ્ય પ્રદર્શન બદલ કોલેજ પરિવારે તમામ કેડેટ્સ અને અધ્યાપકોને બિરદાવ્યા છે.