ગાર્ડા કોલેજમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે આદિવાસી નૃત્ય સ્પર્ધાનું આયોજન
નવસારીમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત તથા દક્ષિણ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી એસ.બી. ગાર્ડા કોલેજ ખાતે કોલેજના SC/ST Cell અને I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તા. ૦૯/૧૦/૨૦૨૬ના રોજ આદિવાસી નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, લોકકલા અને લોકનૃત્યના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાની સાથે વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક જાગૃતિ, સર્જનાત્મકતા અને પોતાની પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો હતો. કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના નેતૃત્વ અને ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ પરંપરાગત આદિવાસી પહેરવેશ ધારણ કરીને નૃત્ય, સંગીત અને તાલના સુંદર સમન્વય દ્વારા આદિવાસી લોકજીવન, પરંપરા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની મનોહર અભિવ્યક્તિ કરી હતી. રંગબેરંગી પરંપરાગત પહેરવેશ અને આકર્ષક નૃત્ય રજૂઆત દ્વારા આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ તથા લોકજીવનની જીવંત ઝલક રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતમાં પરંપરા પ્રત્યેનો આદર, નૃત્યકૌશલ્ય, તાલમેલ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. આ સ્પર્ધામાં કુ. માનસીબા સરવૈયા, ડૉ. તૃષા ગજ્જર અને શ્રીમતી ઝીલ ભાથેનાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. નિર્ણાયકોએ વિદ્યાર્થીઓની રજૂઆતોનું મૂલ્યાંકન કરીને વિજેતા જૂથની પસંદગી કરી હતી. સ્પર્ધામાં પ્રથમ ક્રમે શ્રેયા ચૌધરી, ધ્રુવીકા ગામિત, ભાગ્યશ્રી ડોઢિયા, ટવિશા પટેલ અને સ્નેહા કલ્મીમહેતાના જૂથે વિજય પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે કોલેજ પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યાં હતાં. આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત પહેરવેશ અને લોકકલાના વારસાથી પરિચિત કરવાની સાથે પોતાની સાંસ્કૃતિક ઓળખ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવા તથા તેમની આંતરિક પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.