એસ.બી. ગાર્ડા કોલેજમાં 'હસ્તકલા માર્ગદર્શન' કાર્યક્રમ યોજાયો
નવસારીની એસ.બી. ગાર્ડા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કૌશલ્ય વિકાસ અને સ્વનિર્ભરતાની ભાવના કેળવવાના હેતુથી વિવિધ શૈક્ષણિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું સતત આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે કોલેજના વુમન સેલ અને I.Q.A. સેલ દ્વારા જ્યોત જીવન ફાઉન્ડેશન, વડોદરા (નવસારી શાખા)ના સહયોગથી તા. ૩૧ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘હસ્તકલા માર્ગદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજાની થાળી, છાબ ડેકોરેશન, વેસ્ટમાંથી બેસ્ટ, જ્વેલરી બોક્સ, મીઠાઈના ડબ્બા, તોરણ, લટકણ સહિતની વિવિધ આકર્ષક અને ઉપયોગી હસ્તકલા તૈયાર કરવાની રીતો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુ. દિપાલી સાલવી દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં હસ્તકલાનું ખૂબ મોટું મહત્વ છે. કલા માત્ર શોખ નથી, પણ તે આત્મનિર્ભર બનવાનું સશક્ત માધ્યમ છે. આપણા વિદ્યાર્થી ભાઈ બહેનોઓ ભણતરની સાથે સાથે આવી પરંપરાગત અને આધુનિક હસ્તકલાઓ શીખે તે આજના સમયની માંગ છે. આ માર્ગદર્શન થકી આપણા વિદ્યાર્થીઓ તહેવારો અને પ્રસંગોમાં ઉપયોગી એવી સજાવટની વસ્તુઓ જાતે બનાવતા શીખશે, જે તેમના સર્જનાત્મક વિકાસમાં અને ભવિષ્યમાં ગૃહ ઉદ્યોગ તરફ આગળ વધવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. કાર્યક્રમમાં મહેમાનશ્રીનો પરિચય ડૉ. સુનિતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. મુખ્ય વક્તાશ્રી શ્રીમતિ જ્યોતિબેન પટેલ દ્વારા હસ્તકલા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે હસ્તકલા દ્વારા સર્જનાત્મકતાના વિકાસ સાથે કૌશલ્યને રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવાના વિવિધ પાસાઓ અંગે માહિતી આપી હતી. આ માર્ગદર્શન કાર્યક્રમમાં કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ હિતેશ પટેલ સાહેબે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. સુનિતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રીમતી હેતલબેન નાયક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ હસ્તકલા માર્ગદર્શન કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે વ્યવહારુ કૌશલ્ય પ્રાપ્ત કરવાનો તેમજ પોતાની સર્જનાત્મક પ્રતિભાને નવી દિશા આપવાનો ઉપયોગી અવસર બની રહ્યો હતો.