એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારીમાં સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો
એસ.બી. ગાર્ડા કોલેજ, નવસારી ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ કારકિર્દીના નિર્માણના ધ્યેય સાથે વિવિધ શૈક્ષણિક, કારકિર્દી માર્ગદર્શન તથા કૌશલ્યવર્ધક કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આ જ શ્રેણીમાં કોલેજના કરીયર ગાયડન્સ એન્ડ પ્લેસમેન્ટ સેલ, ઓ.બી.સી. અને માયનોરીટી સેલ તેમજ I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧/૦૭/૨૦૨૬ના રોજ નવા લાયબ્રેરી હૉલ ખાતે ‘સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો અંગે સેમિનાર’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કુ. વ્યોમા વૈદ્ય દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય આયોજન, સચોટ માર્ગદર્શન અને સતત મહેનત દ્વારા વિદ્યાર્થીઓ રાજ્ય તથા કેન્દ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે છે. ત્યારબાદ મહાનુભાવોનું પુસ્તક-પુષ્પ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓનો પરિચય ડૉ. અશ્વિન શર્મા દ્વારા કરાવવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા તરીકે શ્રી સર્વોત્તમ સર (સેન્ટર હેડ) અને શ્રી સુરેશ સર (એજ્યુકેશન ડાયરેક્ટર)એ વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, અભ્યાસનું આયોજન, સમય વ્યવસ્થાપન, પરીક્ષાની નવી પદ્ધતિ, કારકિર્દીની તકો તેમજ સફળતા માટે જરૂરી વ્યૂહરચના અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, આત્મવિશ્વાસ અને યોગ્ય દિશામાં સતત પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ સાહેબે પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં કોલેજના અધ્યાપકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શ્રીમતી ઝીલ ભાઠેના દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. અશ્વિન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારના અંતે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસાનું સમાધાન મેળવ્યું હતું. કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડનાર અને તેમના ભાવિ કારકિર્દી નિર્માણમાં પ્રેરણાદાયી સાબિત થયો હતો.