ગાર્ડા કોલેજ, નવસારી ખાતે શ્રીમદ્ ભગવદ્ગીતાના બારમા અધ્યાયનું શ્લોકગાન યોજાયું
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, વ્યવહારુ જ્ઞાન તથા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યેની અભિરુચિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી નવસારીની પ્રતિષ્ઠિત એસ.બી. ગાર્ડા કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા ગુજરાત સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સંસ્કૃત વિભાગ તથા IQA Cellના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ્ ભગવદ્ગીતાના બારમા અધ્યાય ‘ભક્તિયોગ’ના શ્લોકગાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ઋગ્વેદના પુરુષસૂક્તની પાવન પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષયની મહત્તા અને ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “સંસ્કૃત માત્ર એક ભાષા નથી, પરંતુ આપણી સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ, જ્ઞાનપરંપરા અને જીવનમૂલ્યોના અમૂલ્ય વારસાનો પાયો છે.” તેમણે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના અધ્યયન દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાનપરંપરાને સમજવા તથા તેને આધુનિક જીવન સાથે જોડવા માટે પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ સંસ્કૃત વિભાગાધ્યક્ષા શ્રીમતી રેખાબેન પટેલ, ડૉ. પુનિતાબેન પટેલ, ડૉ. સુનીતાબેન પટેલ તથા સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ગીતાના બારમા અધ્યાયના શ્લોકોનું ભાવપૂર્ણ, લયબદ્ધ અને શુદ્ધ ઉચ્ચાર સાથે શ્લોકગાન કર્યું હતું.વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સંસ્કૃત ભાષા તથા ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યેની પોતાની અભિરુચિ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પુનિતા બી. પટેલે કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ ડૉ. સુનિતાબેન પટેલે કરી હતી. એસ.બી. ગાર્ડા કોલેજ તથા ગાર્ડા કોલેજ ટ્રસ્ટ વતી કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સંસ્કૃત વિભાગ તથા IQA Cellના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.