નવસારીની ગાર્ડા કોલેજમાં 'સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ' યોજાયો ૪૦ વિદ્યાર્થીનીઓનું સ્ક્રિનિંગ, ૧૦૦ કીટનું વિતરણ
શૈક્ષણિક વિકાસની સાથે સામાજિક જાગૃતિ અને સેવાકીય પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપતી નવસારીની એસ.બી. ગાર્ડા કોલેજ દ્વારા વધુ એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના અને I.Q.A. Cellના સંયુક્ત ઉપક્રમે તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘એક દિવસીય સિકલ સેલ રોગ જાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સિકલ સેલ રોગ અંગે જાગૃતિ કેળવવા સાથે રોગના લક્ષણો, સમયસર તપાસ અને જરૂરી સાવચેતી અંગે વૈજ્ઞાનિક અને વ્યવહારુ માહિતી પહોંચાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆત કુ. વ્યોમા વૈદ્ય દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર સાહેબે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, જીવનમાં જ્ઞાન ત્યારે જ સાચા અર્થમાં ઉપયોગી બને છે, જ્યારે તેનો લાભ આપણા સમાજને મળે, તેને માત્ર પોતાના સુધી ન રાખતા તમારા પરિવાર, ગામ અને સમાજ સુધી પહોંચાડો. વિજ્ઞાન અને જાગૃતિ જ આ રોગ સામે લડવાનું આપણું સૌથી મોટું હથિયાર છે. ડરવાની જરૂર નથી, પણ સજાગ રહેવાની જરૂર છે. મને ગર્વ છે કે આપણી કોલેજના NSS ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ હંમેશા સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહે છે. તમારી આ સક્રિયતા જ એક સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરશે. મુખ્ય વક્તાશ્રી તેજલબેન અધ્વર્યુંએ સિકલ સેલ રોગ પર આધારિત એક શોર્ટ ફિલ્મ દર્શાવીને વિદ્યાર્થીઓને આ બીમારી વિશે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી જાગૃત કર્યા હતા. ત્યારબાદ નિષ્ણાત ડૉ. ભાવેશભાઈ પટેલે સિકલ સેલ થવાના કારણો, તેના લક્ષણો અને શરીરમાં રક્તકણો દાતરડા (સિકલ) જેવા આકારના થવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવી હતી. તેમણે દર્દીઓને અપાતા વિશિષ્ટ ઓળખ કાર્ડ, તેમના આયુષ્ય તેમજ આ રોગ સંપૂર્ણ નાબૂદ ન થાય તો પણ યોગ્ય તબીબી સાવચેતી અને સામાજિક સજાગતા દ્વારા તેને કઈ રીતે નિવારી શકાય તેની સચોટ માહિતી આપી હતી. આ જાગૃતિ અભિયાન અંતર્ગત કોલેજની ૪૦ જેટલી વિદ્યાર્થીનીઓનું સિકલ સેલ અંગેનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત ૧૦૦ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય ઉપયોગી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ સિકલ સેલ રોગને લગતા વિવિધ પ્રશ્નો પૂછી નિષ્ણાત પાસેથી જરૂરી માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં ઉપાચાર્યશ્રી ડૉ. હિતેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. ભુપતભાઈ રબારીએ આભારદર્શન તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. સમીરા ખલીફા દ્વારા કરવામાં આવ્યું કર્યું હતું.