માનવતાનો અનોખો સેતુ : નવસારીની ગાર્ડા કોલેજે પૂરગ્રસ્ત ૭૫ પરિવારોને મદદ કરી
શિક્ષણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેતી નવસારીની એસ.બી. ગાર્ડા કોલેજના ઉન્નત ભારત અભિયાન દ્વારા તારીખ ૦૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ એક પ્રશંસનીય અને માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું છે. ગણદેવી તાલુકાના પૂર પ્રભાવિત ઊંડાચ ગામના પરિવારોની વહારે આવીને કોલેજ પરિવારે સેવા અને સંવેદનાનો અનોખો સેતુ બાંધ્યો છે. કોલેજના માનવતાવાદી દ્રષ્ટિકોણ ધરાવતા ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જરના માર્ગદર્શન હેઠળ ‘ઉન્નત ભારત અભિયાન સમિતિ’ના સદસ્યો, કોલેજના અધ્યાપકો તથા વહીવટી સ્ટાફે પૂરથી ભારે અસર પામેલા ઊંડાચ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્ટાફ મિત્રોએ પૂર પીડિત પરિવારોને મળીને તેમની મુશ્કેલીઓ જાણી હતી, તેમને સાંત્વના આપી મુશ્કેલ સમયમાં હિંમત ન હારવાનો સંદેશ પાઠવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કોલેજ પરિવાર તરફથી પૂર પ્રભાવિત આશરે ૭૫ જેટલા પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ધરાવતી રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવા અભિયાન પાછળનો આર્થિક સહયોગ ગાર્ડા કોલેજના તમામ અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓએ સ્વેચ્છાએ આપ્યો હતો. આ ઉમદા સેવા કાર્યને સફળ બનાવવા માટે કોલેજના અધ્યાપકો કુ. માનસીબા સરવૈયા, ડૉ. રેઝશ મિસ્ત્રી, શ્રી નિપુલ મિસ્ત્રી, ડૉ. સમીરા ખલીફા, ડૉ. સુનિતા પટેલ, શ્રીમતી ઝીલ ભાઠેના, ડૉ. સંજય આહીર, ડૉ. ભૂપત રબારી, ડૉ. સરફરાજ ખલીફા, ડૉ. જમશીદ મરોલીઆ, ડૉ. તેજસ મિસ્ત્રી અને ડૉ. નસરીન કુરેશી તેમજ કોલેજના વહીવટી કર્મચારી શ્રીમતી મિરલ પટેલ અને કુ. ખંજન મકવાણાએ પૂરના વિસ્તારોમાં ફરીને ભારે જહેમત ઉઠાવી હતી. સમાજ પ્રત્યેની સંવેદના અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરતું ગાર્ડા કોલેજનું આ કાર્ય સ્થાનિક લોકો અને સમગ્ર પંથકમાં ભારે પ્રશંસાનું કેન્દ્ર બન્યું છે. મુશ્કેલીના સમયમાં પૂર પીડિતોને મદદરૂપ થવાના આ ભગીરથ કાર્ય બદલ કોલેજના ઈન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. ધર્મવીર ગુર્જર, ઉપાચાર્યશ્રી હિતેશભાઈ પટેલ, ગાર્ડા કોલેજ મેનેજમેન્ટ તથા સમગ્ર સ્ટાફ પરિવારે સેવા આપનાર ટીમને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.